Loading Posts...

INDvAUS : નાગપુર મેચ પહેલા જ પીચ ક્યુરેટરે જાહેર કરી દીધો રાઝ

નાગપુર : બેંગલુરૂમાં ટીમ ઇન્ડિયાનો ચોથી વન-ડેમાં ભલે પરાજય થયો હોય પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ પોતાના નામે કરી ચૂકી છે અને હવે આજે યોજાનાર સિરીઝની પાંચમી અને અંતિમ વન-ડેમાં વિજય સાથે સિરીઝનું સમાપન કરવાના લક્ષ્ય સાથે આજે નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે ઊતરશે. નાગપુરના આ સ્ટેડિયમની પીચનો સમાવેશ ભલે છેલ્લી બે મેચથી બેસ્ટ ક્રિકેટ પીચોમાં નથી થતો પણ પીચ ક્યુરેટર પ્રવીણ હિંગણીકરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે નાગપુરની આ પીચ પર બહુ જોરદાર અને રોમાંચક ક્રિકેટ જોવા મળશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીં છેલ્લી વન-ડે ચાર વર્ષ પહેલાં રમવામાં આવી હતી જેમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાએ આપેલા 350 રનના લક્ષ્યનો સફળતાપૂર્વક સામનો કર્યો હતો.

આ પહેલાં પીચ પર બહુ રન બનતા હતા પણ પછી આ ગતિ ધીમી પડી ગઈ હતી. બે વર્ષ પહેલાં 2015માં આઇસીસીએ આ પીચને ખરાબ રેટિંગ આપ્યું હતું જ્યારે ભારતે દક્ષિણ આફ્રિકાને ત્રણ દિવસની અંદર હરાવી દીધું હતું. ગયા વર્ષે T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ અહીં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 79 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા સામેની ચોથી વન-ડેમાં મળેલી હારને કારણે ટીમ ઇન્ડિયાનો વિજય રથ રોકાયો હતો અને નંબર વનનું સ્થાન પણ ગુમાવી દીધું છે. ચોથી વનડે મેચમાં મળેલી હાર બાદ ઈન્ડિયાનું સીરિઝ 5-0થી જીતવાનું સ્વપ્ન રોળાવાની સાથે ICC વનડે રેંકિંગમાં ટોચનું સ્થાન પણ ગુમાવવું પડ્યું છે. ટીમ ઈન્ડિયાને 21 રનથી મળેલી હાર બાદ એકવાર ફરીથી સાઉથ આફ્રિકા 5957 પોઈંટ્સ સાથે પ્રથમ ક્રમાંક પર પહોંચ્યું છે. ટીમ ઈન્ડિયાના 5828 પોઈન્ટ્સ છે. જ્યારે 5,879 પોઈન્ટ્સ સાથે ઓસ્ટ્રેલિયા ત્રીજા ક્રમાંકે છે. હવે ભારતીય ટીમને વન-ડેમાં નંબર વન બનવું હોય તો આજે રમાનારી સિરીઝની પાંચમી અને અંતિમ વન-ડેમાં જીત મેળવવી જરૂરી બની ગઈ છે.

ટીમ ઇન્ડિયાએ ચોથી વન-ડેમાં ફેરફાર કરતાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર અને કુલદીપને આરામ આપી શમી, ઉમેશ યાદવ અને અક્ષર પટેલને સામેલ કર્યા હતા. જેઓ ખર્ચાળ સાબિત થયા હતા પરંતુ વિરાટ કોહલી અંતિમ વન-ડેમાં એક બદલાવ કરતાં જસપ્રીત બુમરાહ અથવા ભુવનેશ્વર પૈકી એકને અંતિમ વન-ડેમાં ફરી સ્થાન આપે તેવી શક્યતા છે.

Leave a Comment

Loading Posts...